Posted in MIX

વૈજ્ઞાનિકો, થોડી ‘ઉનાળુ’ શોધો કરો ને !

વૈજ્ઞાનિકો, થોડી ‘ઉનાળુ’ શોધો કરો ને !

‘સોલાર-એસી’ ‘થર્મો-કુલ વસ્ત્રો’ તથા ‘ઠંડાગાર ધાબાં’ની શોધ ક્યારે થશે?

આપણા ઈસરોના વૈજ્ઞાનિકોએ અવકાશમાં સેટેલાઈટ લોન્ચ કરવાની કંઈ નવી પધ્ધતિ શોધી કાઢી એમાં તો બધા હરખઘેલા થઈ ગયા…

સારી વાત છે, પણ મારા સાહેબો, અવકાશમાં સેટેલાઈટ તરતા મુકવાથી આપણા ઈન્ડિયન દેશીઓની પીડાઓ કંઈ ઓછી નહિ થાય!

કમ સે કમ ઉનાળામાં રાહત રહે એવી તો બેચાર શોધો કરી આપો? અમને ખબર છે કે આમાં ‘સ્પેસ’ સાયન્ટિસ્ટોનું બહુ કામ નહિ. એમની આમાં ચાંચ પણ ના ડૂબે (કારણ કે એમની તો ચાંચ પણ અવકાશમાં જ હોય ને!)

છતાં દેશના હે મહાન કેમિસ્ટ્રીના વૈજ્ઞાનિકો, ફિઝિક્સના વૈજ્ઞાનિકો, ઈલેક્ટ્રોનિક્સના વૈજ્ઞાનિકો… પ્લીઝ, અમને હેલ્પ કરો ને!

* * *

શેરડીનો જ્યુસ બોટલમાં

આજે દેશભક્તિની બોલબાલા છે. કોકાકોલા અને પેપ્સીકોલાનો વિરોધ કરવો એ મહાન દેશભક્તિ ગણાય છે. એ લોકો કહે છે કે કોકાકોલા પીવાને બદલે શેરડીનો રસ પીઓ! એમાં શ્યુગર છે, ગ્લુકોઝ છે, વિટામીન છે વગેરે વગેરે.

હા, પણ ઘરે મહેમાન આવે ત્યારે ફ્રીજ ખોલીને શેરડીના જ્યુસની બાટલી કાઢીને આપી શકાતી નથી! એના માટે કાં તો બહાર જવું પડે, કાં તો કોઈને મોકલવું પડે. અને એ પણ સિઝનમાં જ! પછી જ્યારે શેરડીની સિઝન પતે ત્યારે?

તો ડિયર વૈજ્ઞાનિકો, તમે શેરડીના રસને બોટલમાં ભરીને બારેમાસ રાખી શકાય એવી કોઈ શોધ કેમ નથી કરતા?

કેમિસ્ટ્રીના જાણકારો કહે છે કે શેરડીનો રસ પડયો પડયો ‘ફર્મેન્ટ’ થઈ જાય છે, ખાટો થઈ જાય છે, ફાટી જાય છે અને સડી જાય છે. પણ મારા સાહેબો, સ્વીટ્ઝરલેન્ડના ડેરી ઉદ્યોગવાળાઓએ દૂધનો પાવડર બનાવવાની ટેકનોલોજી શોધી કાઢી એ પહેલાં દૂધનો પણ આ જ પ્રોબ્લેમ હતો ને? એ પણ ફાટી જતું હતું!
તો એ રીતે શેરડીના રસનો ‘પાવડર’ ના બનાવી શકાય?

આમ માથું ના ખંજવાળો મારા સાહેબો. થોડાં વરસો પહેલાં કેરીમાં પણ આ જ પ્રોબ્લેમ હતો. કેરીઓ સડી જતી હતી. રસ બગડી જતો હતો. પણ સાહેબો, ભારતની ગૃહિણીઓએ, જી હા, ગૃહિણીઓએ ‘શોધ’ કરી કે કેરીની છાલ ઉતારીને તેની ચીરીઓ કરીને ડિપ-ફ્રિજરમાં મુકી રાખો, તો છેક આઠ મહિના પછી શિયાળામાં પણ એને ખાઈ શકાય છે! એનો  રસ પણ બનાવી શકાય છે!

ગૃહિણીઓનું જોઈને દુકાનોવાળા બારે મહિના રસ વેચતાં શીખી ગયા, પણ વૈજ્ઞાાનિકો ના શીખ્યા! ભણેલા છે ને…

* * *

લીલાં નાળિયેર-પાણીનું જ્યુસ?

આ જ કિસ્સો લીલાં નાળિયેર-પાણીનો છે. દેશપ્રેમીઓ નાળિયેર-પાણીને પણ મહા-સાત્વિક પીણું માને છે. એ ઝનૂની દેશપ્રેમીઓ કોલા ફેક્ટરીઓને બંધ કરાવવા માટે સરઘસ-મોરચા લઈને ધસી જાય છે પણ નાળિયેર-પાણીની ફેક્ટરી ‘શરૃ કરાવવા’ બિચારાઓ ક્યાં જાય?

આવું જ લીલી દ્રાક્ષના જ્યુસનું છે અને એવું જ તડબૂચના જ્યૂસનું છે. સક્કરટેટી અને પપૈયાને તો આયુર્વેદ બહુ ગુણકારી માને છે પણ એનાં ‘પલ્પ-પેકિંગ’ની શોધ કોણે કરવાની? વૈદરાજોએ?

* * *

ધાબાં ઠંડા કરી આપો!

જ્યારથી બાંધકામમાં આરસીસીના સ્લેબો ચાલુ થયા છે ત્યારથી ઉનાળાએ બધાના ગાભા-ડૂચા કાઢી નાંખ્યા છે! સવારે દસથી લઈને સાંજના સાત સુધીમાં સિમેન્ટ કોંક્રીટનાં ધાબાં એવાં ગરમ થઈ જાય છે કે એની ઉપર તમે પાપડ શેકી શકો.

‘તમે’ એટલે વૈજ્ઞાનિકો, તમારી વાત નથી કરતા! કારણકે પાપડ શેકીને તમે કરશો શું? શેક્યો પાપડ પણ તમે ક્યાં ભાંગી શકો છો?

છતાં ભૈશાબ, આ ગરમ તવા જેવાં ધાબાંને ઠંડા રાખવાની કોઈ તરકીબ શોધી આપો તો તમારો પાડ નહિ ભૂલીએ! વચમાં થોડાં વરસ પહેલાં બજારમાં ‘થંડા ગાર ચૂના’ નામનો એક જાતનો ચૂનો મળતો હતો. ધાબા ઉપર કૂચડા વડે એના બે હાથ મારતાંની સાથે જ જાણે ચમત્કાર થઈ જતો હતો! નીચેના રૃમોનું તાપમાન સાવ શિયાળા જેવું થઈ જતું અને ધાબા ઉપર ઉઘાડા પગે ચાલો તો સ્હેજપણ દાઝે નહિ એવું કંઈક એમાં હતું!

પણ આપણાં ‘ઘરોની રોનક બઢાવતી’ મલ્ટીનેશનલ કંપનીઓએ કંઈ કરામત કરી, કે પછી પેલી કંપની ફડચામાં ગઈ… એ પછી એવું પ્રોડક્ટ બજારમાં દેખાયું જ નહિ!

વૈજ્ઞાનિક સાહેબો, આમાં તો કંઈ મોટી ધાડ નથી મારવાની ને? એવો ચૂનો તો શોધી આપો? અમારાં એસીનાં બિલો અડધાં થઈ જશે…

* * *

સોલાર એસી કેમ નહિ?

મહાન ભારત દેશના મહાન દેશભક્તો ભારતને ગમે એટલું મહાન ગણતા હોય, પરંતુ હકીકત એ છે કે છેલ્લાં ૬૦ વરસમાં આપણે ગોરા દેશોમાં થયેલી શોધોને જ અપનાવવી પડી છે! એ દેશોમાં વરસે આઠ મહિના ઠંડી પડે છે એટલે એમણે ‘સોલાર હિટર’ અને ‘સોલાર કુકર’ જેવી જ શોધો કરી છે.

આપણે ત્યાં વરસના આઠ મહિના બિન્દાસ તડકો પડે છે છતાં આપણે સોલર-પાવરમાં શું કર્યું? તો કહે, ગાંધીનગરમાં સ્ટ્રીટ-લાઈટો નંખાવી! બસ.

અલ્યા ભઈ, સુરજના તડકાથી ડાયરેક્ટ એસી જ ચલાવો ને?

અમને ખબર છે, દેશના સોલાર એક્સપર્ટો કહેશે કે એ ‘હજી’ શક્ય નથી, કેમ? કારણકે ‘હજી’ ગોરા દેશોએ એવી શોધ કરી નથી!

હા, આપણે ત્યાં તો સૂર્યનો ઉપયોગ મૂહુર્તનાં ચોઘડીયાં જોવા માટે જ કરવાનો હોય ને?

* * *

થર્મો-કુલ કપડાં

શિયાળામાં પહેરવાનાં પેલાં થર્મો-સ્ટેટ હોઝિયરી વસ્ત્રો ક્યાંથી આવ્યાં? વિદેશથી! કેમ? કારણકે ત્યાં ઠંડી પડે છે! ગરમીમાં તો એ લોકો કપડાં કાઢીને દરિયામાં નહાવા જતા રહે છે!

એ ગોરાઓ કદી ‘ઠંડા રહે’ એવાં વસ્ત્રોની શોધ કરવાના જ નથી!

…હવે તો એક જ આશા છે. આ ‘ક્લાઈમેટ-ચેઈન્જ’ના સમયમાં ગોરાઓનાં દેશોમાં ધોમધખતી ગરમી પડવા માંડે, તો કંઈક થાય!

ચાલો વૈજ્ઞાનિકો, એના માટે ‘પ્રાર્થના’ તો કરો? સાચો દેશપ્રેમ પ્રાર્થનાથી જ થાય છે!

  • મન્નુશેખ ચલ્લી ,ગુજરાત સમાચાર.
Posted in MIX

ઓળખાણ

પ્રોફેસર છું એવું કહીએ કે હું પ્રોફેસર તરીકે નોકરી કરું છું એવું બોલીએ એનાથી ફરક પડે? પડે. તમે જે રીતે તમારી ઓળખ આપો છો એ થકી તમે તમને કેવી રીતે ઓળખો છો એની સાબિતી મળે. અને એ સાબિતી જરુરી છે કારણ કે અન્યો દ્વારા અપાતી અને બાહ્ય રીતે મેળવેલી દરેક પ્રકારની ઓળખ સાપેક્ષ અને પરિવર્તનશીલ છે. ગઈકાલ સુધી મેનેજરની નોકરી કરનાર પાસે એ નોકરી ન રહે તો એ વ્યક્તિ ન રહે? એ વ્યક્તિ બદલાઈ જાય? ફિલ્મ સર્જક આનંદ ગાંધીએ ‘શીપ ઓફ થીસીયસ’માં ઓળખ અંગેના વિષય અંગેની કળાત્મક રજુઆત કરી છે. ઓશો આ વિષય પર એમના પ્રવચનોમાં હેરતચંગેજ વાર્તાઓ કહેતા. તો આજે સાંભળીએ એવી ત્રણ વાર્તાઓ જે આપણને આપણા અંગે વધું સભાન બનાવી શકે છે.

એક સંન્યાસી ભ્રમણ કરતો કરતો રાજાને ત્યાં પહોંચ્યો. વાતચીત દરમ્યાન રાજાએ સંન્યાસીને કહ્યું કે મારે પરમાત્માને ફેસ ટુ ફેસ મળવું છે. ઈઝ ઈટ પોસીબલ? તમે મારો મેળાપ પરમાત્મા સાથે કરાવી શકો? સંન્યાસીએ પળનોય વિલંબ કર્યા વિના કહ્યું કે કેમ નહીં. મારું તો કામ જ એ છે. તમે એક કામ કરો. તમારું નામ-ઠામ એક ચિઠ્ઠી પર લખી આપો જેથી પરમાત્માની અપોઈન્ટમેન્ટ મેળવતી વેળા એમને આપનો પરિચય આપી શકાય. રાજાએ પોતાનું નામ, ઠામ, ઉંમર, માન-અકરામ લખીને ચિઠ્ઠી સંન્યાસીને આપી. સંન્યાસીએ ચિઠ્ઠી જોઈને કહ્યું કે આ બધી વિગતો તો ખોટી છે. રાજાને લાગ્યો આંચકો. સંન્યાસી કહે કે ધારો કે તમારું નામ ‘અ’ને બદલે ‘બ’ રાખીએ તો તમે એના એ વ્યક્તિ રહો કે બીજા થઈ જાવ? રાજા કહે કે કેવી વાત કરો છો? હું તો એનો એ જ રહું ને. બદલાય તો માત્ર નામ. પછી સંન્યાસી કહે કે તમે રાજાને બદલે ભિખારી થઈ જાવ તો એના એ વ્યક્તિ રહો કે બીજી કોઈ વ્યક્તિ બની જાવ? રાજા કહે કે ભિખારી થયા પછી પણ હું વ્યક્તિ તો એનો એ જ રહું. આમ સંન્યાસીએ રાજાએ ચિઠ્ઠીમાં લખેલી દરેક ઓળખ અંગે આવા માર્મિક પ્રશ્નો ઉપસ્થિત કર્યા. છેવટે સંન્યાસીએ રાજાને કહ્યું કે પ્રથમ તમે ચિઠ્ઠીમાં તમારી સાચી ઓળખ લખો. જો તમારી ઓળખ જ સાચી ન લખેલી હોય તો પરમાત્માને શું કહું કે કોણ મળવા માંગે છે? અને જે દિવસે તમને તમારી ઓળખ બરાબર મળી જશે એ પછી તમને પરમાત્માની મળવાની ઈચ્છા નહીં થાય એની ગેરન્ટી મારી.

આવા ટોનવાળી બીજી એક મજેદાર અને એબ્સર્ડ કેટેગરીમાં આવે એવી વાર્તા જોઈએ. મુલ્લા નસીરુદ્દીન એમના મિત્ર સાથે બહારગામ ગયા. રાતવાસો એક હોટલમાં કર્યો. મુલ્લા નસીરુદ્દીન એમની પાઘડી, વસ્ત્રો, જુતાં પહેરીને પથારીમાં પડ્યા. પણ ઉંઘ ન આવી. મિત્રએ મુલ્લા નસીરુદ્દીનને સલાહ આપી કે તમારા આવરણો કાઢીને જરીક રીલેક્ષ થશો તો ઉંઘ આવી જશે. મુલ્લા નસીરુદ્દીન કહે કે ઉંઘ ન આવે તો વાંધો નહીં પણ હું મારા આવરણો કાઢીને તો નહીં જ સુવું. મને ડર એ વાતનો છે કે જો હું મારી પાઘડી, વસ્ત્રો અને જુતાં કાઢીને સૂઈ જઈશ તો સવારે ઉઠીશ ત્યારે મને ખબર કેવી રીતે પડશે કે હું કોણ છું? મારી પાઘડી મને મારી ઓળખ કરાવે છે. મારા જુતાં થકી મને જાણ થાય છે કે હું મુલ્લા નસીરુદ્દીન છું. મિત્રએ જરીક વિચાર કરીને કહ્યું કે તમે એક કામ કરો. તમે આ ફૂગ્ગો તમારા પગે બાંધી લો. સવારે તમે ઉઠશો અને તમારા પગે ફૂગ્ગો બાંધેલો જોશો કે તરત તમને ખબર પડી જશે કે તમે મુલ્લા નસીરુદ્દીન છો. મુલ્લા નસીરુદ્દીનને આ ઉપાય ઠીક લાગ્યો. અવળચંડા મિત્રએ અડધી રાતે ફૂગ્ગો મુલ્લા નસીરુદ્દીનના પગમાંથી છોડીને પોતાના પગમાં બાંધી દીધો. મુલ્લા નસીરુદ્દીને સવારે જોયું કે ફૂગ્ગો તો મિત્રના પગમાં બાંધેલો છે. અને તો એ તો મંડ્યા રડવા. મિત્રને ઉઠાડીને કહે કે હું તમને રાત્રે કહેતો હતો એમ જ થયું. મારા વસ્ત્રો અને પાઘડી થકી મને ખબર પડતી હતી કે હું મુલ્લા નસીરુદ્દીન છું. તમે એ પણ કઢાવી નાંખ્યા. મારા પગમાં બાંધેલો ફૂગ્ગો તમારા પગમાં છે. હું મુલ્લા નસીરુદ્દીન છું એવી કોઈ સાબિતી હવે રહી નથી. પૂરાવા તો એ દર્શાવે છે કે તમે મુલ્લા નસીરુદ્દીન છો. તો હું કોણ છું?

છેલ્લે એક ટચુકડી વાર્તા. એક સમ્રાટે કવિને ભોજનનું આમંત્રણ આપ્યું. ફકીરી કવિ તો એના રોજિંદા લિબાસમાં પહોંચ્યો રાજાને ત્યાં. દરવાનોએ એને રોકયો. કવિ કહે કે મને રાજાએ ભોજનનું આમંત્રણ આપ્યું છે. દરવાનોએ એનો વેશ જોઈ એને ગાંડો કહી તગેડી મૂકયો. રસ્તામાં કવિને એક મિત્ર મળ્યો ત્યારે કવિએ મિત્રને આખી વાત કહી. મિત્ર કહે કે એમ તો કંઈ રાજાના મહેલમાં પ્રવેશ મળતો હશે? અને એણે મિત્રને ઠાઠમાઠથી તૈયાર કર્યો. કવિ પુન: મહેલના પ્રવેશદ્વારે ગયા અને દરવાનો એને માનપાનથી અંદર લઈ ગયા. ભોજન પીરસાયું. કવિએ પ્રથમ કોળિયો એની પાઘડીને ધર્યો. બીજો કોળિયો એના વસ્ત્રોને. ત્રીજો કોળિયો એના ભભકાદાર જુતાંને ખવરાવવા જતો હતો ત્યાં રાજાથી ન રહેવાયું એટલે પુછ્યું કે તમે આ શું કરો છો? કવિએ જવાબ આપ્યો કે જે વસ્ત્રો, પાઘડી અને જુતાં થકી આ મહાભોજનને હું પામ્યો છું એનું ઋણ અદા ન કરું તો નમકહરામ કહેવાંઉ. હું તો પહેલાં પણ આવ્યો હતો, પણ આપના ત્યાં મને પ્રવેશ નહોતો મળ્યો. મને પ્રવેશ પાઘડી, વસ્ત્રો અને જુતાંએ અપાવ્યો છે તો પ્રથમ ભોજનના અધિકારી તેઓ ખરા કે નહીં?

Posted in MIX

Celebrate World Book Day

જે સ્કૂલ પ્રાઈમરીથી લઇ સેકન્ડરી (કૉલેજમાં આવતા પહેલા) નીચે મુજબનાં સબ્જેક્ટ્સ/ટ્રેઈનિંગને Must Be Compulsory કરી શકે તેને સાચા અર્થમાં મંદિર-મસ્જીદ-‘ગુરુ’દ્વારા-ચર્ચ ગણવું એવું મારું માનવું છે.world-book-day

૧. યોગ અને મેડિટેશન- (બેઝિકથી એડવાન્સ. બોડી આડું કર્યું હશે તો માઈન્ડ પણ ટટ્ટાર ઉભું રહી શકશે. કૉલેજ પછી પણ.)

૨. સ્પોર્ટ્સ- (દરેક પ્રકારના. જેમાં આગળ વધતા ધોરણે કોઈ એક સ્પોર્ટ્સમાં માસ્ટરી આપોઆપ કેળવાઈ શકે)

૩. સેલ્ફ-ડિફેન્સ- (યેસ ! માનસિક અને શારીરિક કોન્ફિડેન્સનો ધોધ વહેતો થાય એવાં દરેક પહેલું શીખાય પછી ‘દેશભક્તિ’ શું છે એવું કહેવાની પણ જરૂર જ ‘ની પડે’)

૪. આઉટ-સાઈડ એડવેન્ચર્સ- (સાહસિકતા માત્ર ટ્રેઈન કે પ્લેનની મુસાફરીથી નહિ પણ ભોમિયા સાથે ડુંગરા ભમવાથી આવે છે. બચ્ચાએ પેઈન ખમ્યું હશે તો ગેઇન મેળવવાનો આનંદ પણ માણી શકશે.)

૫. સેલ્સ-માર્કેટિંગ- (પિનથી લઇ પિયાનો કેમ વેચી શકાય એની ટ્રેઈનિંગનું બેઝિક શીખવા મળ્યું હશે તો બહાર આવતી વખતે એડવાન્સ મોડમાં પ્લેન વેચવું પણ સામાન્ય થઇ જશે તમારા ‘બાબા’ને)

૬. લખવાના લખ્ખણ- (પોપટના નિબંધથી લઇ પ્રેમ-પત્ર સુધી કેમ પહોંચવું એની આવડત સ્કૂલમાં જ આવડે પછી કૉલેજમાં આવતા સુધી પ્રાઈમ-મિનીસ્ટર અને પ્રેસિડેંટને પણ કેમ પર્સનલ લેટર લખી મળી શકાય એવું ચુટકીમાં આવડશે. પછી જો કાકા કે મામાય સામેથી તમારી મદદ મેળવવા આવશે એની ગેરેંટી)

૭. વાંચવાની ટેવ: (દેશી હિસાબથી અને રંગીન જોડકણાથી લઇ ગુજરાત અને ભારતના મુખ્ય દરેક લેખકોની બેસ્ટ સેલર્સ સ્કૂલમાં જ વંચાયેલી હોય તેવો અનુભવ કેવો કૂલ લાગે!!! – જેટલી વધુ બૂક્સ/મેગેઝિન્સ વાંચી હશે એટલા ગ્રેડ વધારે, સિમ્પલી દેશી હિસાબ પાછો છેલ્લે પણ)

૮. બોલવા-સાંભળવાની પાકા ઘડા જેવી ટ્રેઈનિંગ- (બાળક સાથે કઈ રીતે ‘વાત’ કરવી અને બાબાજી સાથે કઈ રીતે ‘ચેટ’ કરવી એ આવડી જાય પછી કોલેજમાં આવતી દીપિકા-પ્રિયંકા-સ્કારલેટને કાંઈ બી ચોપડી દેવામાં કોઈની બા પણ નહિ ખીજાય એવો વાતચીતનો આત્મવિશ્વાસ લોહીમાં ભરાયેલો હશે.)

૯. જોવાનો અનુભવ: (દુનિયાની બેસ્ટ બચ્ચેલોકકી ફિલ્મ્સથી લઇ બડે લોગોકી ડોક્યુમેન્ટરીઝ જોઈ લેવાય પછી ઈલોન મસ્ક, ઝકરબર્ગ કે સુંદર પિચાઈની જોડે કૉફીકપ કેમ પીવો એ માટે……..જાવ યાર કશુંયે નહિ કે’વું.)

૧૦. પ્રોગ્રામિંગ-કોડિંગ- (ડેસ્કટોપથી લઇ મોબાઈલ એપ બનાવવાનું તો બીજાં ઘણાં દેશોમાં ગ્રાઇપવોટર પીવડાવી દીધા પછીના સ્ટેજથી જ શરુ થયું છે. હજુયે મોડું નથી થયું. ‘મોદી’ફાય ફોર્સ આવે ઈ પહેલા જ… અત્યારે આ જ ફ્યુચર છે.)

પટેલીક પંચ:
“આજે જાતે ‘પુસ્તક ડે’ ના બદલે કોઈકના માટે ‘પુસ્તક દે’ મનાવીએ તો?”

-From: Murtaza Patel, Cairo,Egypt.

 

Posted in MIX

GTU Summer Exam 2016

Gujarat Technological University Summer Exam 2016

Schedule_At_Glance_Summer 2016