સરદારને કહા થા કિ…

સરદારને કહા થા કિ…

આટલો મોટો દેશ પડેલો છે, તેમાં કીડીઓની માફક માણસ ભરેલા છે, અને અઘોર અજ્ઞાાન પડેલું છે એમાં કામ કરવાનું છે (સરદાર પટેલ)

”તમને ખબર છે કે હું ન્યાતઝાતના વાડાની બહાર નીકળી ગયેલો માણસ છું. એટલે કોમી માણસ તરીકે તમે મારૃં સ્વાગત કરી શકો એમ નથી. મુલકના બંધન તોડવાની ખાતર જ્ઞાાતિનાં બંધનની બહાર નીકળવું જોઈએ.”
કોણે કહેલું આ? સરદાર વલ્લભભાઈ પટેલે, કોને કહેલું આ? પોતાના જ્ઞાાતિબંધુ એવા પાટીદારોને! કરાંચીમાં (જે ત્યારે ભારતમાં હતું) ૨૮ ઓગસ્ટ ૧૯૩૮ના રોજ પાટીદારોએ સરદારને માનપત્ર આપેલું, ત્યારે સરદાર સાહેબે એમના ભાષણની શરૃઆત આ ઉપર લખી એ અક્ષરશઃ વાતથી કરી હતી!
આપણને આ કેમ ખબર પડે? સરદાર સાહેબનાં વખાણ કરવામાંથી થોડોક સમય એમનો અભ્યાસ કરવામાં ફાળવીએ તો ખબર પડે! ગાંધીયુગની ઘણી વાતો બ્રિટિશ કેળવણીને લીધે વેલ ડોકયુમેન્ટેડ છે. ગુજરાતીમાં જ ‘સરદાર વલ્લભભાઈના ભાષણો’નું પુસ્તક ઉપલબ્ધ છે. અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ અને ‘નવજીવન’માં મળે છે. મોટી મેગેઝીન સાઈઝ (એફોર)નાં ચારસો પાનાની આ કિતાબ ચારસો રૃપિયામાં મળે છે. એટલે પડતર એક રૃપિયાનું એક પાનું થયું. જે વાંચવા માટે કોઈ અનામતની જરૃર નથી (અને એની ભલામણ ઓલરેડી એક વેકેશન આર્ટિકલમાં થઈ ચૂકી છે.)
આ પુસ્તકમાં તટસ્થતાથી સરદાર સાહેબે આપેલા સેંકડો પ્રવચનો સંકલિત થયા છે. તારીખ, વાર, સ્થળ સહિત. આખેઆખા તો એક લેખમાં કેમ ઉતારવા? પણ આજે ગુજરાતમાં જે અથડામણો, હતાશા, વેરઝેરના વાવેતર થાય છે. જ્ઞાાતિવાદ અને અર્થ વિનાની હિંસક ઝૂંબેશોથી છબી જ નહિ, સમાજની સમજણ પણ ખરડાય છે, ત્યારે ખરેખર સરદાર જીવતા હોત તો શું કહેતા હોત એનો અંદાજ એમાંથી લાગુ પડતા એમના અમુક વિધાનોથી મળે ખરો.
ચાલો, બળતામાં ઘી હોમવાની રાષ્ટ્રવિરોધી સળી કરવાને બદલે આગમાં થોડું હિમ ઉમેરી ગુજરાતનાં તાજાં જખ્મો પર સમન્વયના મલમપટ્ટાનો પ્રયાસ કરીએ. એ જ પોલિસની સિવિલ સર્વિસના સ્થાપક અને બંધારણસભામાં છે. આંબેડકરને નિયુકત કરનાર સરદારનું સ્વપ્ન, અને એ જ આપણું એમને તર્પણ. આ શરૃઆતમાં જે ભાષણની વાત છે, એમાં અંતે પણ સરદારે કહેલું કે, ”આપણે દરેક કામ સમજપૂર્વક કરવું જોઈએ. કોઈને અસ્પૃશ્ય ન માનવા જોઈએ. કોઈ શરાબ પીતા હોય એમને સમજાવવા જોઈએ. સંપીને રહેશો તો સુખી થશો.’
વાહ. પણ સંપીને રહેવાની ટેવ ભારતને હોત તો વિભાજન અને ગુલામી થોડી વેઠવી પડત? ચાલો, ચેનલો અને વોટસએપના ગપ્પાઓ બંધ. ઓવર ટુ સરદાર.

હ હ હ
”હવે બે શબ્દો નવજુવાનોને કહું છું. નવજુવાનો અહીં સારી સંખ્યામાં હાજર છે. પ્રજાની સેવાની એમને હોંશ છે. પણ તે એકલા તમાશા જોવા ન આવે. સેવાને ખાતર સેવા શીખવાની ધગશ હોવી જોઈએ. સેવાધર્મ કઠણ છે. કાંટાની પથારી પર સૂવા જેવો છે. સત્તામાં જેટલો મોહ છે, પડવાના જોખમો છે તેટલાં સેવાની સત્તામાં પણ પડેલા છે. થોડો ત્યાગ કરનારને હિન્દુસ્તાનમાં લોકો પૂજે છે. એથી તો લાખો પાખંડીઓ પૂજાય છે. ભગવું પહેર્યું કે ભોળો હિન્દુ એને સાધુ માને છે. ભગવાંધારી એટલા સાધુ નથી. તેમ ધોળી ટોપી અને ધોળું કૂરતું પહેર્યું એટલે ગાંધીનો માણસ નથી થઈ જતો. થોડું ભાષણ કરતાં આવડે, છાપામાં લખતા આવડે એટલે નેતા થયા એવો ખ્યાલ જો નવજુવાનોમાં હોય તો એ ભૂલભરેલો છે. પગથિયે પગથિયે ચડવું જોઈએ.” (૨૫/૧૨/૧૯૩૭ રાજપીપળા
)

વધુ વાંચો…

Advertisements