ગુરૂપૂર્ણિમા

ગુરૂ એટલે?

ગુરૂ એટલે ‘યથેચ્છ્સી તથા કુરૂ’ નો જીવંત અહેસાસ, ગુરૂ એટલે ઘોર અંધારામાં દિશા આપતો ઝગમગાટ, ગુરૂ એટલે ખુલ્લી તલવારે સંગ્રામે ઉભેલા યોદ્ધાની આંખમાં ચમકતી મશાલ અને ઢાલ. ગુરૂ એટલે શિષ્ય ચરણે પડે, એટલે ઉમડતું વ્હાલ. ગુરૂ એટલે ગાલ પર પડતી થપાટમાં રહેલી ભવિષ્યની ચિંતા અને હાથ પકડીને વરસાદમાં ભીંજવવા મજબુર કરતી યુવતા. ગુરૂ એટલે વેળા-કવેળા સેલફોનમાં ઝબકતો ‘સર,મારાથી પરીક્ષા નહિ દેવાય’નો મેસેજ અને મારતી ગાડી એ એક્ઝામ સેન્ટર સુધી મૂકી આવવાનો જઝ્બો. ગુરૂ એટલે આદર્શોની લીલીછમ વાતો અને જ્ઞાનમાં ઉમેરાતી રમતો. ગુરૂ એટલે લાઈફના મેન્ટોર અને રાઈટર, જેને રોયલ્ટીની નથી જરૂર, અને તોય છે મગરૂર. ગુરૂ એટલે આખી સિસ્ટમ સામે લડવા માટે શિષ્યને બંધાવતી હિંમત, ગુરૂ એટલે શિષ્ય કોઈ દિવસ નથી સમજી શકતો એવી મહામુલી સલાહની કિંમત. ગુરૂ એટલે સફળતામાં દુર ઉભેલો દીવાદાંડીનો પ્રકાશ, ગુરૂ એટલે ચુપચાપ વણાતું શિષ્ય માટે ભવિષ્ય. ગુરૂ એટલે દરેક શિષ્યની સફળતાનો મૌન ઉમળકો. ગુરૂ એટલે પરખ કરી લેતી નજર અને લેક્ચરમાં ભૂરકી નાખતી અસર. ગુરૂ એટલે સબમીશન વખતે કરડાકીથી થતું કામ , અને એ બહાને અભિમાનમાં થતું શારકામ. ગુરૂ એટલે વિનમ્રતા અને ગૌરવ અપાવતી ટેલેન્ટ, ગુરૂ એટલે ટેલેન્ટમાં ઉમેરાતી મોમેન્ટ. ગુરૂ એટલે કડકાઈ અને વ્યક્તિત્વમાં છલકાતી ગરવાઈ. ગુરૂ એટલે બુલ જેવું ઝનુન અને સિંહ જેવું ગુમાન. ગુરૂ એટલે વાર્તાઓનો ભંડાર અને વાણીના કલાકાર. ગુરૂ એટલે સાચી સલાહની નિષ્ઠા અને ક્યારેય ન જોઈતી પ્રતિષ્ઠા. ગુરૂ એટલે જીવીને જીવતા શીખવાડનાર, ગુરૂ એટલે શિષ્યના આજીવન વકીલ અને અનુભવમાં સદાકાળ વડીલ. ગુરૂ એટલે સાથે લાગતા ઠહાકા અને ચા ની ચુસ્કીઓ. ગુરૂ એટલે નવરાત્રીમાં સાથે લાગતા ઠુમકા અને મસ્તીઓ.

ગુરૂ એટલે રીલેશનશીપની સમજાવાતી વ્યાખ્યા અને બંધાવાતી ધીરજ. ગુરૂ એટલે તબિયત ખુશ કરતી કંપની અને સિમ્ફની, જેની અંદર શિષ્ય ખોવાય જાય. ગુરૂ એટલે સેલફોનમાં રાતે બાર વાગે અપાતો રીપ્લાય. ગુરૂ એટલે ક્રિએટીવીટી પર મુકાતો ભરોસો અને પરફોર્મન્સથી ખુશ થઈને અપાતા રૂપિયા પાંચસો. ગુરૂ એટલે મહાનતાની વાતોની વચ્ચે ચુપચાપ ખિસ્સામાં મૂકી દેવાતા રૂમભાડાના રૂપિયા. ગુરૂ એટલે શિષ્યને કોઈ ધમકી ન દઈ જાય એનું ચુપચાપ રખાતું ધ્યાન. ગુરૂ એટલે એક્સ્ટર્નલ એક્ઝામીનર સામે થતા વખાણ અને બેધડક ઇન્ટરવ્યુંમાં મુંઝવી નાખે એવા પૂછાતા સવાલ. ગુરૂ એટલે તૈયારીમાં ઉમેરાતી એકસેલન્સ અને પરફોર્મન્સમાં આવતું પરફેક્શન. ગુરૂ એટલે પ્રોજેક્ટ જોયા વગર ભરોસાથી થતી સિગ્નેચર અને વાઈવામાં ઉડાડી દેવાતા છોતરા. ગુરૂ એટલે પતંગના પેચ લડાવતી વખતે પડતી બુમો અને વરસતા તાપમાં હાથથી નંખાતો પંખો. ગુરૂ એટલે પાછી મળશે કે કેમ એ જાણ્યા વગર જ અપાતી બુક્સ.ગુરૂ એટલે પરફોર્મન્સમાં નીકળતા નુકસ. ગુરૂ એટલે હિંગળોક ચહેરાની મનોમન થતી પૂજા અને ગુરૂ એટલે સૌથી પહેલા મનગમતા ઓથર અને પહેલો લેખ લખવા માટે મળતી પ્રેરણા. ગુરૂ એટલે લેખકને વાંચીને જિંદગીમાં આપોઆપ ઉતરતી નિખાલસતા. ગુરૂ એટલે પ્રમાણિક ઓપિનિયનની પાઠશાળા. ગુરૂ એટલે મનમાં ઊગેલો ટ્યુલીપનો છોડ અને ગુરૂ એટલે વ્યક્તિત્વમાંથી ફાટફાટ થતો વાસક્ષેપનો સુગંધીદાર મોડ. ગુરૂ એટલે જેના ચહેરામાં કૃષ્ણનો દેખાતો ચિરપરિચિત ચહેરો અને મુશ્કેલીઓ માટે ભરાતો નિશદિન પહેરો.

-હર્ષ પંડ્યા

Advertisements